સ્ટફ પરોઠા વણવામાં બરાબર ફાવતું નથી? સ્ટફિંગ બહાર નીકળી જાય છે તો હવે આવી રીતે બનાવો..

મિત્રો, દરેક ઘરોમાં અવનવા પરોઠા તો બનતા જ હોય છે પરંતુ ઘણાને સ્ટફ પરોઠા વણવામાં બરાબર ફાવતું નથી હોતું કારણ કે પરોઠા વણતી વખતે સ્ટફિંગ બહાર નીકળી જાય છે અથવા તો સ્ટફિંગ આખા પરોઠા સ્પ્રેડ નથી થતું. માટે જ તો સ્ટફ પરોઠા ખુબ જ પસંદ હોવા છતાં ઘરે બનતા નથી. તો આજે હું ખુબ જ ટેસ્ટી એવા આલૂ પરોઠા સૌ સરળતાથી વણીને બનાવવાની રીત લાવી છું તો હવેથી તમે પણ આ રીતે પરોઠા બનાવજો, પરોઠા ટેસ્ટી તો બનશે જ સાથે સ્ટફિંગનો મસાલો પણ આખા પરોઠામાં બરાબર સ્પ્રેડ થશે.

સામગ્રી :

Ø 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ

Ø 350 ગ્રામ બટેટા

Ø 1/2 કપ બારીક સમારેલ કોથમીર

Ø 2 લીલા મરચા

Ø 1/2 ઇંચ આદુ

Ø 1/2 કપ બારીક સમારેલ કાંદા

Ø ચપટી જીરું

Ø ચપટી હળદર

Ø ચપટી ધાણાજીરું

Ø ચપટી ચાટ મસાલો

Ø ચપટી મરી પાવડર

Ø સ્વાદ પ્રમાણે મીઠું

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

Ø 3 ટેબલ સ્પૂન તેલ

Ø શેકવા માટે બટર અથવા ઘી

તૈયારી :

v બટેટાને બાફીને મેશ કરી લેવા.

v આદુની પેસ્ટ બનાવી લો જેથી મસાલામાં બરાબર મિક્સ થઈ જાય.

રીત :

1) સૌ પ્રથમ પરોઠા માટેનો લોટ બાંધી લો, તે માટે ઘઉંના લોટમાં ચપટી મીઠું તેમજ દોઢેક ચમચી તેલનું મોણ આપો. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી રોટલીથી સહેજ કઠણ લોટ તૈયાર કરી લો.

2) લોટ બાંધી લીધા બાદ અડધી ચમચી તેલ નાંખી બરાબર મસળી લો.

3) સ્મૂથ મસળી લીધા બાદ લોટને કોટનના સાફ કપડાથી ઢાંકીને મૂકી દો જેથી લોટ સરસ સેટ થઇ જાય. લોટ સેટ થાય ત્યાં સુધીમાં સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરી લો.

4) મસાલો આપણે બધી જ સામગ્રી મિક્સ કરીને યુઝ કરી શકાય પરંતુ અહીં આપણે સીઝનિંગ કરીને મસાલો તૈયાર કરીશું. તે માટે એક પેનમાં એક ચમચી તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરો.

5) જીરું સહેજ બ્રાઉનિશ થાય પછી તેમાં બારીક કટ કરેલા લીલા મરચા તેમજ આદુની પેસ્ટ એડ કરો.

6) થોડી જ સેકંડોમાં બારીક કાપેલ કાંદા તેમજ ચપટી મીઠું અને હળદર ઉમેરો. કાંદાને થોડીવાર સાંતળો અને હળવા બદામી રંગના થવા દો. કાંદા હળવા બદામી થાય એટલે તેમાં ધાણાજીરું, ચાટ મસાલો, તેમજ મરી પાવડર ઉમરો અને મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો.

7) બરાબર મિક્સ કરી લીધા બાદ મેશ કરેલા બટેટા એડ કરો. સાથે જ કોથમીર તેમજ લીંબુનો રસ ઉમેરો અને ફરી બધું મિક્સ કરી લો.

8) તો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર છે, જો લસણ નાખવું હોય તો આદુ મરચા સાથે લસણની પેસ્ટ એડ કરી શકાય તેમજ મરચાની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકાય. હવે આ મસાલાને હાથથી અડી શકાય તેટલો ઠંડો પડવા દો.

9) મસાલો ઠંડો પડે એટલે મસાલામાંથી મીડીયમ સાઈઝના એક સરખા ગોળા બનાવી લો.

10) આ સમયે આપણો લોટ પણ સરસ સેટ થઈ જશે તો લોટમાંથી લુવા બનાવી લો, લુવો લઈ મીડીયમ સાઈઝની જાડી રોટલી વણી લો. આ રોટલીમાં વચ્ચે મસાલાનો ગોળો મુકો.

11) રોટલીની બધી સાઇડથી કિનારીઓને ઉપર લઈ જઈ પેક કરી વધારાનો લોટ અલગ કરી દો, તેમજ ઉપરથી સહેજ પ્રેસ કરી ગોળ શેઈપ આપી દો.

12) હવે ઘઉંના કોરા લોટથી ડસ્ટીંગ કરી હાથથી સહેજ ટીપી લો.

13) ફરી કોરા લોટથી ડસ્ટીંગ કરી હળવા હાથે વણી લો. આ પરોઠું થોડું જાદુ બનશે. આછો આછો મસાલો દેખાય ત્યાંસુધી વણી લો. પરોઠું હળવાથી વણવું જેથી સાઈડમાંથી તૂટી ન જાય. આ રીતે બધા જ પરોઠા વણી લો.

14) બધા જ પરોઠા વણી લીધા બાદ લોઢી ગરમ કરીને પરોઠું મુકો.

15) પરોઠાનો કલર સહેજ ડાર્ક થાય એટલે સાઈડ પલ્ટી લો તેમજ ઉપર બટર કે ઘી લગાવી દો. ઘી કે બટર ના ફાવે તો તેલ પણ લગાવી શકાય.

16) ફરી સાઈડ પલ્ટી બીજી બાજુ પણ બટર લગાવી દો અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી સાંતળી લો.

17) તો મિત્રો તૈય્યાર છે આ મસ્તમજાનું ટેસ્ટી ટેસ્ટી સ્ટફ પરોઠું. તો તમે પણ આ રીતે બનાવજો, આ પરોઠાને દહીં સાથે ખાવાની ખુબ મજા આવેશે. આ પરોઠું એટલું તો ટેસ્ટી બને છે કે બાળકોને પણ ખુબ ભાવશે તો બાળકોને નાસ્તામાં પણ પેક કરીને આપી શકાય.

મિત્રો એકવાર સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોવા વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી પરોઠા બનાવવામાં સરળતા રહે અને પરોઠા એકદમ પરફેક્ટ બને.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપી વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *