વેકેશનમાં વજન કેવી રીતે મેઇન્ટેઇન કરવું છે તો અપનાવો આ ટિપ્સ

હવે પાછી વેકેશનની સીઝન આવી ગઈ. નાતાલની રજાઓમાં બાળકો ઘરે હોય અને સાંજે પાર્ટીઓ પણ એટલી જ ચાલતી હોય. આવા સમયે 2થી 3 મહિનાનું ડાયટ કરેલું પાણીમાં જતું રહે છે. બરાબર ડાયટ કરીને અને એક્સરસાઇઝ કરીને વજન ઉતાર્યું અને પાછું 2થી 3 કિલો વજન તો આ રજાઓમાં જ વધી જાય છે. તો શું કરવું ? આ રજાઓમાં વજન ઉતરે નહીં તો વાંધો નહીં પણ ઉતારેલું વજન મેનટેઇન થાય તો પણ બહુ.
તમારી માત સાવ સાચી છે. તેલથી લથબથતા ઉંધિયા, તુવેર અને કચોરીની સીઝનમાં વજનને પકડી રાખવું મુશ્કેલ બને છે. વળી વસાણા અને રાત્રીના સમયની પાર્ટીઓ… નાતાલ અને નવાવર્ષની કેક આટલાબધા સેલીબ્રેશનમાં વજન ઓછું રાખવું મુશ્કેલ બને છે. પરંતુ તમારો આ અભિગમ મને ગમ્યો કે વજન ન ઉતરે તો વાંધો નહીં પરંતુ જો વજનને વધારીએ નહીં તો પણ વળી આ રજાઓની સિઝન જતાં પાછા ડાયટ અને એક્સરસાઇઝ ચાલુ કરીને પાછા વજન ઉતારવા લાગી જવાય.

આ વખતે આ નાતાલ દરમિયાન થોડું ધ્યાન વધુ રાખવાનો પ્રયત્ન કરો.

એક ડાયરી રાખોઃ- જો તમે કોઈપણ રજાઓ દરમિયાન ફક્ત આટલું જ કરશો તો પણ વજન વધશે નહીં. તમે જે ખોરાક ખાવ તેને નોંધો. કચોરી તળતાં તળતાં જો એકાદ-બે ચાખશો તો તેની પણ નોંધણી કરો. આમ કરવાથી દરરોજ આડેધડ ખોટું ખાતાં તમે અચકાશો.

પહેલેથી પ્લાન કરી લોઃ- બની શકે તો અત્યારથી જ ઘરમાં થોડા શેકેલા નાસ્તા ભરી દો. જેમ કે શેકેલી ભેળના પેકેટ, ઘઉના પીઝાના બેઝ વિગેરે ઓછા તેલવાળી પીઝાની ગ્રેવી વિગેરે બનાવીને રાખી લો એટલે છેલ્લી ઘડીએ બહારથી લાવવા કરતાં ઓછા તેલની વાનગી પીરસી શકાય.

ખાતા પહેલાં વિચારોઃ- તમે કોઈપણ વધુ પડતી ગળી અથવા તળેલી વાનગી ખાતા પહેલાં વિચાર કરજો કે તેમાં કેટલી કેલેરી આવેલી છે અને તમારે કેવું ખાવું ?

બને ત્યાં સુધી કસરત માટે સમય ફાળવોઃ-

દિવસમાં 30થી 45 મિનીટની કસરત કરવાનુ ટાળશો નહીં. સવારમાં વહેલાં અથવા સાંજના સમયે વધુ નહીં તો છેવટે ચાલવાનું રાખજો. કાંઈ નહી તો ઘરે પણ થોડા યોગાસનો કરીને તમારી ફિટનેસને જાળવી રાખજો

બહાર ખાવ ત્યારે સાંચવોઃ- હોટલમાં જમવા જાવ તો ભૂખ્યા પેટે ન જાવ. બને તો ઘરેથી ફ્રુટ, દૂધ, સૂપ વિગેર ખાઈને જાવ. હોટલમાં ઓછા તેલવાળી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો જેમ કે ઘી વગરની રોટલી, વઘાર વગરની દાળ, સલાડ, વિગેરે ખાવ.

વધુ પડતો ભૂખમરો ના કરોઃ- ઘણીવખત બહારનું ખાવા માટે અથવા પાર્ટીઓ કરવા માટે આપણે ઘરનું હેલ્ધી ખાવાનું ટાળતા હોઈએ છીએ. એવું કરો નહીં. બહાર ઓછું ખાઈ લેવાય તો પણ બીજા દિવસે આખો દિવસ ભૂખ્યા રહેવાની જરૂર નથી. જેમ કે સૂપ, ફ્રુટ, દૂધ, સીરીયલ, રોટલી ફાડાની ખીચડી વિગેરે ખાવું વધુ યોગ્ય છે.

બને તેટલું વધુ પાણી પીવુઃઅત્યારે ઠંડક છે, પરંતુ દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં. બની શકે તો ગ્રીન ટી, ખાંડ વગરનુ લીંબુનું પાણી, સૂપ, છાશ વિગેરે પીને દિવસ દરમિયાન પાણીને મેઇનટેઇન કરો.

ઉપર પ્રમાણે ધ્યાન રાખશો તો વજન વધશે તો નહીં જ ઉતારવાનુ કામ આટલા થોડા દિવસ પછી પાછુ ચાલુ કરી દેશો.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *